કુમાર શાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

            


કુમાર શાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

તારીખ : ૦૯-૧૦-૨૦૨૩નાં રોજ ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. 

જશુબેન પટેલનો જન્મ ચીખલી તાલુકાના  ઘેજ નાના ડુંભરિયા ગામે તા. ૦૨/૦૬/૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમણે બાલ્યકાળનાં શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તા. ૧૯/૦૯/૧૯૮૮ દિને ખાતામાં દાખલ થયા હતા. પ્રથમ તેમણે ઉમરગામ (સરીગામ) વાડિયાપાડા પ્રા. શાળામાં નિમણૂંક મેળવી ૯ વર્ષ ૨ માસ સેવા બજાવી હતી. ત્યારબાદ તા.૧૯/૧૨/૧૯૯૮ થી વાડ ઉતાર ફ.પ્રા. શાળામાં ૨ માસ ૨૭ દિવસ સેવા બજાવી અને તા.૧૭/૦૩/૧૯૯૯ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધી સદર  શાળામાં ૨૪ વર્ષ ૨ માસ અને ૧૪ દિવસ સેવા આપી શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં ઓતપ્રોત  રહી બાળકોના સર્વાંગી વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો જે શાળાનાં  વિધાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણગણ તેમનાં તરફથી મળેલ સેવાની કદર કરે છે.

 તેમણે આ શાળામાં આવી પ્રગતિના નવાં પીછાં ઉમેર્યા. શાળા અને બાળકોને પોતાનો પરિવાર બનાવ્યો. શાળાની શૈક્ષણિક અને ભૌતિક પ્રગતિ માટે સતત ચિંતન કરતા. બાળકોને મા ના જેવો પ્રેમ, પિતાના જેવું વાત્સલ્ય મિત્ર જેવો સ્નેહ અને શિક્ષક તરીકે શિક્ષકત્ત્વ અદા કરી સમાજમાં એક ઉત્તમ પ્રતીતિ કરાવી. શાળા અને શિક્ષણને કર્મ અને ધર્મ બનાવી બાળકોમાં શિક્ષણ સાથે જીવનની કેળવણીના પાઠો અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું. માનવ ઘડતરનું કામ કર્યું સત્ય સદાચાર, વિનય, વિવેક, નિર્ઘામતતા કાર્યનું પાલન જેવા ગુણોનું સિંચન કર્યું. તેમની દીર્ધકાલીન સેવાની શાળા પરિવાર અને ગ્રામજનો કદર કરે છે.

   અંતમાં પરમકૃપાળુ પરમાત્મા શ્રીમતી જશુબેન તથા તેમના પ્રિય પરિવારને નિરામય દીર્ધાયુ, સુખ, શાંતિ, સ્નેહ અને સમૃધ્ધ બક્ષે અને  હવે પછીનું શેષ જીવન સમાજના કાર્ય માટે સહયોગી બની રહે એવી શિક્ષક સમાજ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, આ  શાળાના સેવાનિવૃત્ત કેન્દ્ર શિક્ષક તથા જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકા સંઘના  હોદ્દેદારો ઉપરાંત કારોબારી સભ્યો, ખેરગામ બી.આર.સી., સી.આર.સીઓ, ખેરગામ બી.આર.સી સ્ટાફ, તાલુકાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો, શાળા પરિવાર, ખેરગામના પત્રકાર મિત્રો, સદર શાળાના નિવૃત્ત શિક્ષકો, આચાર્યો, કેન્દ્રશિક્ષકો, આમંત્રિત સગાસંબંધીઓ, મિત્રવર્તુળ, અને એસ.એમ.સી.નાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



Post a Comment

Previous Post Next Post